કંઈક તો ભૂલ થઈ છે. એક પાંચ વર્ષનું બાળક, અસામાજીક તત્વનાં હાથમાં આવી ગયું અને તેણે એ "કુદરતની કૃતિ" ની અવદશા કરી નાખી! પાણી પહેલા પાળ બાંધવાની વાત તો આવતી જ નથી. પરંતુ આ સમાજનાં પાયાને હચમચાવી દેતું ઘોડા-પૂર અત્યારે જઘન્ય અપરાધોનાં રૂપમાં સામે આવી રહ્યું છે ત્યારે "બચાવદળ", "રાહતકાર્યકરો", "સરકાર", ક્યાં છે, આ સૌ? માનો કે ના માનો, પણ જવાબદારી તો આપણી જ બને છે. હું, તમે અને આપણે સૌ એ માસુમ બાળકનાં અને અત્યાર સુધીનાં સૌ પીડિતોનાં ગુન્હેગાર છીએ. એ વાત માં કોઈ શંકા નથી કે પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ, પરંતુ "જવાબદારી" તો કોઈક ની બને જ છે. જેમાં એ બાળકી સિવાય નાં સર્વ કોઈ આવી જાય છે. શું સારા-નરસા વચ્ચેનો ભેદ ભૂલી ગયેલ વ્યક્તિ ને આપણે, આપણાં સમાજમાં ખુબજ સરળતા થી સમરસ થવા દઈએ છીએ? કે એવા વ્યક્તિ ને માપવાનાં માપદંડો જ નથી રહ્યાં આપણી પાસે? કદાચ "જુનવાણી કે રૂઢીચુસ્ત વિચાર વાળા" અને "ગણ્યા-ગાઠયા" લોકો પાસે આ પ્રશ્નનો જવાબ મળે. પરંતુ કદાચ આ જ પ્રશ્ન નો જવાબ મારી, તમારી અને આપણી અંદરથી પણ મળી જ જાય! પરંતુ એ જવાબ તો જ મળશે જો માત્ર એક જ ક્ષણ માટે પણ એમ વિચારો કે એ જ માસુમ બાળક તમારું જોયેલું, જાણેલું હોય, અગાઉ તમે જ એને કોઈ વાર રમાડ્યું હોય, તમે એનું સુંદર હાસ્ય માણ્યું હોય, ને એમાં રહેલા નિર્દોષ સ્મિતરૂપી ઈશ્વરનાં દર્શન કર્યા હોય, અથવા તો એ તમારા અંગતનું જ બાળક હોય, કે પછી એ જ આપણું કંઈક અંગત હોય, તો? તો અને તો જ એ પીડા, યાતના કે દુઃખાવો આપણને સમજાય છે. અને એટલે સુધી માં તો "પાળ" બાંધવાની તમામ શક્યતાઓ "શૂન્ય" થઈ ચુકી હોય છે. તો શું આપણે અત્યારે "જાણે કે કંઈ જ નથી થયું" એમ માની ને મારી કે પોત-પોતાની પ્રવૃત્તિ માં વ્યસ્ત થઈ જવાનું? કે ખરેખર "મારી", "તમારી" કે "આપણી" જ કોઈ વ્યક્તિ સાથે સાચે જ આવી "દુર્ઘટના" ઘટે, તેની રાહ જોવાની? ના, એ મૂર્ખતા આપણને પોષાય તેમ નથી! જીવન ની સાથે થતા ચેડાનું મુલ્ય, જીવન નું મૂલ્ય આપણે ચૂકવી શકીએ એટલા આપણે સક્ષમ નથી. તો? આ માનસિક અને સામાજીક રોગ ને મૂળ માંથી દુર કરવાની જવાબદારી આપણી સૌની બને છે. કેવી રીતે? આપણી દુઃખદ ઘટના માંથી જ મૂળ શોધતા પ્રાથમિક વિગતો ને આધારે જણાઈ આવે છે કે અહી આરોપી એ જે કંઈ અપરાધ કર્યો એમાં તેને છોડી ગયેલી પત્ની પરનો "ક્રોધ" અને તેણે જેને અંકુશ માં ના રાખ્યો એ "કામ" જ, વિવેકભાન ભુલાવનારા અને તેને દુષ્કૃત્ય કરાવનારા દેખાઈ આવે છે. આપણે આ બંને ષડ-રિપુ માંના જ બે દુશ્મનો નાં ફરીથી ભોગ બની ગયા. અને પછી પસ્તાવા સિવાય આપણી પાસે કંઈ નથી વધ્યું. પરંતુ આ દુશ્મનો તો ખુબ જ જુના છે, અને તેનો નિકાલ કરવાનો અવસર તો જાણે-અજાણ્યે આપણે સૌ કોઈએ લીધો છે. પરંતુ એ પુસ્તકો અને આપણ ને લાગતા આડંબરો તો ક્યારેય પ્રાસંગિક લાગ્યા જ નથી ને! પરંતુ એ માત્ર પ્રાસંગિક જ નહિ, સાથે સાથે પ્રાયોગિક પણ છે. શ્રીમદ ભગવદ ગીતા માં "સ્થિતપ્રજ્ઞ"(સ્થિર બુદ્ધિ) થઈને પોત-પોતાની જવાબદારી કામ-ક્રોધ-લોભ-મોહ-મદ-મત્સર રહિત થઈને નિભાવવાનું સરળ શબ્દો માં ત્રીલોકેશ્વર કૃષ્ણ એ કહ્યું છે, તો વળી બધા ધર્મ નો મર્મ પણ આ જ વાત તરફ અંગુલીનીર્દેશ કરે છે. આપણે સામ-સામે આંગળી ચીંધવાને બદલે પોત-પોતાની ફરજો નિષ્ઠા પૂર્વક નિભાવીએ અને જરૂરીયાત વાળા વ્યક્તિ ને અન્ય કોઈ શરત વિના મદદ કરીએ તો ભવિષ્ય માં થનારી કેટલીયે ભૂલો ને સ્થાને સુખી, સમૃદ્ધ અને સુરક્ષિત ભવિષ્ય જોઈ શકીશું. "વસુધૈવ કુટુમ્બકમ" એટલે જ એ મારા કુટુંબ ની જવાબદારી પણ મારી.